રાજકોટ: ત્રંબાની ગ્લોબલ આયુર્વેદીક કોલેજની હોસ્ટેલનાં ભોજનમાં જીવાત અને મકોડા નીકળ્યા

  • 2 years ago
ત્રંબામાં આવેલી ગ્લોબલ આયુર્વેદિક કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓના ભોજનમાંથી જીવાત અને મકોડા નીકળતા હોબાળો મચી ગયો હતો. આ અંગે વિદ્યાર્થિનીઓએ કોલેજ મેનેજમેન્ટને પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. આથી અંતે વિદ્યાર્થી સંગઠનને ફરિયાદ કરી હતી. વિદ્યાર્થિનીઓએ કહ્યું હતું કે અમે અહીં 96 જેટલી વિદ્યાર્થિની રહીએ છીએ. ચાથી લઈને બંને ટાઇમ જમવાની ગુણવત્તા ખૂબ નબળી છે. હોસ્ટેલના ભોજનમાં અવારનવાર કીડી, મકોડા, વંદા, ઈયળ જેવા જીવજંતુ નીકળે છે.

છેલ્લા ત્રણ દિવસથી હોસ્ટેલના ભોજનનો બહિષ્કાર કરીને બહારથી જમવાનું મંગાવી રહ્યા છીએ. હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે અમે હોસ્ટેલમાં એક વર્ષની તગડી ફી ભરીએ છે. આ અંગે વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અમને વિદ્યાર્થિનીઓની ફોટો, વીડિયોના પુરાવા સાથે ફરિયાદ આવી છે. ટ્રસ્ટીઓએ પોતાના બાળકની જેમ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને જમવા આપવું જોઇએ. યોગ્ય નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Recommended