Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
અધિક શ્રમ આયુક્તે 7 એપ્રિલે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં એપ્રિલથી જૂન મહિના વચ્ચે હીટવેવની આગાહીને ધ્યાને રાખીને રાજ્ય સરકારે રાજ્યના તમામ ઉદ્યોગો, બાંધકામ સાઈટ, મનરેગા વર્કસ, ઈંટના ભઠ્ઠા અને અન્ય સ્થળોએ કામ કરતા શ્રમિકોને હીટવેવથી નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલા લેવાની સૂચના આપી છે. શ્રમિકોને લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમોથી બચાવવા માટે બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી ખુલ્લી જગ્યા કે સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ વિવિધ કામગીરી સાથે સંકળાયેલા શ્રમિકોને કામગીરી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

જો કે, ધોમધખતા તાપમાં શ્રમિકો પાસે કામ ન લેવાની સરકારી સંવેદના માત્ર કાગળ પર રહી. ખુદ સરકાર જ શ્રમિકો પ્રત્યે સંવેદનશીલ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુએ બપોરે 2 વાગ્યે રિયાલિટી ચેક કર્યું તો ગાંધીનગરના જૂના સચિવાલયમાં શ્રમિકો ખુલ્લા આકાશ નીચે તડકામાં કામ કરી રહ્યા હતા. અહીં જુના સચિવાલયના રિ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને આ કામ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગની સીધી દેખરેખ હેઠળ ચાલે છે. આ કામ માટે ભાવના પ્રોપર્ટી ડેવલોપર્સ લિમિટેડને ઈજારો આપવામાં આવ્યો છે અને કાર્યપાલક ઈજનેર પાટનગર યોજના વિભાગ-2 હેઠળનું આ કાર્ય છે. (30 જાન્યુઆરી 2024માં નિર્માણકાર્ય શરૂ કરાયું છે અને 18 મહિનામાં પૂર્ણ કરવાનું છે). એક જ સ્થળે નહીં પરંતુ અનેક સ્થળે આ પ્રકારે કામ કરતા શ્રમજીવીઓ ABP અસ્મિતાના કેમેરામાં કેદ થયા.

Category

🗞
News

Recommended